ઉસળ પુલાવ (Usal Pulav)

ઉસળ પુલાવ

સામગ્રી

  • 2      વાટકી બાસમતી ચોખા
  • 1      નાની વાટકી સફેદ વટાણા
  • 1      ટેબલ સ્પૂન રાજમા
  • 1      ટેબલ સ્પૂન લીલા વટાણા
  • 1      ટેબલ સ્પૂન છોલે ચણા
  • 1      ટેબલ સ્પૂન દેશી ચણા
  • 1     ટેબલ સ્પૂન નાની ચોળી
  • 5      ટેબલ સ્પૂન ઊસળ મસાલો
  • 1      ટી સ્પૂન હળદર
  • 1      ટી સ્પૂન મરચા પાઊડર
  • 1      ટી સ્પૂન મરી પાઊડર
  • 1      મીડીયમ ડુંગળી નું છીણ
  • 1      લીંબુ
  • તેલ
  • સ્વાદાનુસાર મીઠું 
    

રીત

ઉસળ બનાવવાની રીત

સફેદ વટાણાને આઠ થી દસ કલાક પલાળવા. ત્યારબાદ, ગેસ પર છુટા એક તપેલા માં પાણી ઉકાળવું. આ ઉકળતા પાણી માં પલાળેલ વટાણા નાખવા અને તેમાં સ્વાદાનુસાર મીઠું નાખવું.  વટાણા ચડી જાય ત્યાં સુધી ઉકાળવા. ત્યારબાદ, તેજ પાણીમાં, હળદર,લાલ મરચા પાઉડર તથા 3 ટેબલ સ્પૂન ઊસળ મસાલો ઉમેરી ફરી 10 મીનીટ ઉકળવા દેવું. ત્યારબાદ 1 ચમચી મરી પાઉડર નાખી, 2-3 મીનીટ ઉક્ળવા દેવું. ત્યારબાદ, ગેસ બંધ કરી, અડધા લીંબુ નો રસ ઉમેરવો.

   

તીખી તરી બનાવવાની રીત 

    એક નાની તપેલીમાં, ચાર થી પાંચ મોટા ચમચા તેલ લેવું, જેમાં એક ચમચો પાણી ઉમેરવું. તેને ગેસ પર ધીમી આંચે ગરમ થવા મુકવું. તેલ-પાણી ગરમ થઈ જાય એટલે તેમાં ડુંગળી નું છીણ ઉમેરવું અને તે મીશ્રણને સતત હલાવતા રહેવું. છીણ સતળાવ્યા બાદ, ચાર ટી સ્પૂન લાલ મરચાં પાઉડર તથા સ્વાદાનુસાર મીઠું નાખી, એક મીનીટ હલાવું. ત્યારબાદ ગેસ બંધ કરવો.

 

પુલાવ બનાવવાની રીત

તપેલાંમાં પાણી ઊકળવા મુકવું. તેમાં થોડું મીઠું, થોડું તેલ, થોડો લીંબુનો રસ ઉમેરવો. ઉકળતા પાણીમાં, પલાળેલા બાસમતી ચોખા તેમાં ઉમેરી દેવા અને ચોખા ને ચડવા માટે રાખી દેવા. બીજા ગેસ પર તપેલી માં પાણી ઉકાળવા મુકવું. તેમાં થોડું મીઠું ઉમેરવું અને ઉપર જણાવેલ તમામ કઠોળ (સફેદ વટાણા સિવાય઼) ઉકળતા પાણી માં ઉમેરી, તપેલી ને ઢાંકી, ચઢવા દેવા. ચોખા ચડી ગયા બાદ, વધારાનું પાણી કાઢી, ભાતને ઓસાવી લેવા, એટલેકે કાણા વાળા વાસણમાં કાઢી લેવા. તેવીજ રીતે, બધાજ કઠોળ ચડી જાય એટલે કાણા વાળા વાસણમાં કાઢી લેવા. ત્યારબાદ, એક ક્ઢાઇ માં થોડું તેલ મુકી, ગરમ થવા દેવું. તેલ ગરમ થઇ ગયા બાદ, તેમાં જીરું તથા હિંગ નો વઘાર કરવો. ત્યારબાદ તેમાં આદુ-લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ, બાફેલું કઠોળ તેમાં નાખી, સાંતળવું. 3-4 મીનીટ સાંતળયા બાદ તેમાં હળદર, લાલ મરચાં પાઉડર તથા થોડું ધાણાજીરું ઉમેરવું. આ મીશ્રણ ને એક મીનીટ સુધી સાંતળવું. ત્યારબાદ, તેમાં ભાત ઉમેરી, બધું બરોબર મીક્સ કરી, ઢાંકી રાખવું (ગેસ ધીમી આંચ પર રાખવો). આમ બની ગયેલ પુલાવ ને બે-ત્રણ મીનીટ  રખ્યાબાદ, ઉસળ મસાલો તેમજ ઘી ઉમેરી, તેમાં ત્રણ મોટા ચમચા ઉસળ ઉમેરવું.

 

 


સર્વ કરવાની રીત

એક પ્લેટમાં પુલાવ કાઢી, તેના ઉપર ઉસળ નાખવું. લાલ તરી નાખવી. ઉસળની સેવ નાખવી. જીણી સમારેલ ડુંગળી તથા જીણા સમારેલ ધાણા થી ડેકોરેટ કરવું. સાથે એક બાઊલ માં ઉસળ લેવું, જેમાં ઉસળની સેવ, જીણી ડુંગળી તથા તરી નાખી, બ્ન્ને સાથે સર્વ કરવું.

Comments